– શ્રી સંતરામ મંદિરમાં ભક્તો દ્વારા સુંદર શણગાર, 3ડી ચિત્રો તૈયાર કરાયા
– ગલીયે ગલીયે ડીજેના તાલે રામધુન, શ્રી રામની આરતી, શોભાયાત્રાઓ નીકળી
નડિયાદ | અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર દેશ રામમય બન્યો છે. ત્યારે નડિયાદ શહેર પણ તેનાથી બાકાત ન રહ્યુ. શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી ભક્તોએ ભગવાનના આ પાવન પ્રસંગની ઉજવણી કરી હતી. વિવિધ સમાજ દ્વારા શોભા યાત્રાના આયોજન ઉપરાંત સમુહ જમણવારના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતુ.
સંતરામ રોડ સ્થિત રામજી મંદિર ખાતે આરતી અને કાર સેવકોનું સન્માન કરાયુ
શહેરના સંતરામ રોડ સ્થિત રામજી મંદિર ખાતે અયોધ્યા મંદિર ખાતે ચાલી રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઇવ પ્રસારણ દર્શાવવામાં આવ્યુ હતુ. જેની સાથે સાથે ભગવાન રામલલ્લાની આરતી કરવામાં આવી હતી. આરતી બાદ નડિયાદના કાર સેવકોના બહુમાનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યા ધારાસભ્ય પંકજભાઇ દેસાઈ અને કેન્દ્રીય મંત્રી દ્વારા કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, કા.ચેરમેન પરિનભાઈ બ્રહ્મભટ્ટ, કિન્તુભાઈ દેસાઈ, અવનીસભાઈ દેસાઈ, સંજયભાઈ પટેલ સહિત કાઉન્સિલરો હાજર રહ્યા હતા.
પશ્ચિમ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વલ્લભનગર ખાતે આવેલ રામેશ્વર મંદિર થી સવારે 9 વાગ્યે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં મહેશ્વરી સમાજના લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા સાઇબાબા મંદિર ખાતે પહોંચી હતી. જ્યા ભગવાન રામની આરતી અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જુઓ મહેશ્વરી સમાજની શોભાયાત્રાના દ્રસ્યો..