– નિર્દોષ માણસોના વાહનોને રોકી વિડીયોગ્રાફી સાથે ચેકિંગ કરતા ચૂંટણી પંચના માણસોને આ ટ્રક ના દેખાયો?
– ખેડા જિલ્લાની બોર્ડરોથી નડિયાદ સુધી પહોંચવા સુધીમાં બેથી વધુ ચેકિંગ પોઇન્ટ તેમ છતાં ટ્રક છેક મહાદેવ પૂરા કેવી રીતે પહોંચ્યો?
યોગીન દરજી | ખેડા એલસીબી એ રવિવારે રાત્રે ચકલાસીના મહાદેવપુરા તાપી કુઈ વિસ્તારમાંથી કન્ટેનર માંથી વિદેશી દારૂનું કટીંગ કરતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કામગીરી સરાહનીય કહી શકાય, પરંતુ આ કામગીરીની પાછળ કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. જેના જવાબો શોધવા ખુદ તંત્ર માટે જરૂરી છે. આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને કારણે સમગ્ર રાજ્યમાં આચારસંહિતા ચાલી રહી છે. આચારસંહિતાનું પાલન કરાવવાના નામે જિલ્લાની બોર્ડર ઉપર પોલીસની સાથે ચૂંટણી પંચના માણસો કેમેરા લઈ ગોઠવાઈ ગયા છે. જે કોઈપણ વાહનચાલકોને ઊભા રાખી વિડીયો રેકોર્ડિંગ સાથે તેનું ચેકિંગ કરવા માટે સક્ષમ છે. આટલી કડક સ્થિતિ હોવા છતાં પણ છેક હરિયાણા થી નડિયાદ તાલુકાના મહાદેવપુરા સુધી દારૂ ભરેલો ટ્રક કેવી રીતે પહોંચ્યો તે સામાન્ય માણસની સમજની બહાર છે.
નડીયાદ થી આણંદ તરફ જાઓ કે પછી અમદાવાદ તરફ કે ગાંધીનગર, સાબરકાંઠા તમામ જિલ્લાઓને જોડતી બોર્ડર ઉપર ચૂંટણી પંચ દ્વારા ચેકપોસ્ટ ગોઠવવામાં આવી છે. ખાસ કરીને સવારે અને સાંજના સમયે થતાં ચેકિંગના કારણે ઘણા વેપારીઓ અને સામાન્ય નાગરિકોને મુશ્કેલી પણ સહન કરવી પડે છે. પરંતુ તંત્ર ને સહકાર આપવો દરેક નાગરિક ની ફરજ છે. ત્યારે સવાલ એ થાય છે કે શું દારૂ ભરેલો ટ્રક ચેકિંગ પોઇન્ટ ના અધિકારીઓને કેમ ના દેખાયો? આખરે ટ્રક એવા તો કયા રસ્તા પરથી આવ્યો કે જ્યાં ચેકિંગ પોઇન્ટ જ નતો? કે પછી બાઈક પર પેટ્રોલિંગ કરી રહેલા ઈસમો એવા તો વગદાર હતા કે જેમના ઈશારાથી ટ્રકનું ચેકિંગ જ ના થયું.?